જેવો સંગ તેઓ આપણો રંગ

Read this article in:
English |
Spanish | Gujarati | Tamil | Hindi | Marathi

આપણે બધા પેલી કહેવત થી પરિચિત છીઍ કે “અન્ન ઍવા ઓઢકાર”. આ અનુસંધાનમાં હિન્દુ અભિગમ ઍવો છે કે વિવિધ પ્રકારના આહાર આપણા મન અને લાગણીઓ ઉપર મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, માંસાહાર જે તામસિક ખોરાક ગણાય છે તે માણસની હલકી મનોવ્રુત્તિ ના દ્વાર ખોલે છે, જે ભય, ગુસ્સો, દ્વેષ અને તેમાંથી જન્મતી દુખી લાગણીઓ તરફ લઈ જાય છે તેજ રીતે મસાલેદાર અને ઉત્તેજક ખોરાક, જેને રાજસીક આહાર કહેવાય છે તે વધુ પ્રમાણમાં લેવાથી માણસની શારીરિક અને માનસિક પ્રક્રિયાઓને વધારે પડતી ઉત્તેજના આપે છે. બીજી તરફ શુદ્ધ અને સાત્વિક આહાર જેમ કે તાજા ફળ અને શાકભાજી જે જમીનની ઉપર ઉગે છે, તે આપણાં અંતરજ્ઞાન અને આત્માને ઉત્તેજન આપે છે. મહત્તમ આધ્યાત્મિક વિકાસ સાધવો હોય તો વ્યક્તિઍ વધુમાં વધુ સાત્વિક આહાર અને મર્યાદિત પ્રમાણમાં રાજસીક આહાર લેવો જોઈઍ, ઉપરાંત તામસિક ખોરાક લેવાનું ટાળવુ જોઈઍ. ચન્દોગ્ય ઉપનીષદ ( ૭.૨૬.૨) શીખવે છે: જ્યારે આહાર શુદ્ધ હોય ત્યારે મન શુદ્ધ બને. જ્યારે મન શુદ્ધ હોય ત્યારે સ્મરણશક્તિ સ્થિર થાય છે અને જ્યારે માણસની સ્મરણશક્તિ મજબૂત હોય ત્યારે તે સંસારના બધા બંધનોથી મુક્ત થઈ શકે.

“જેવો આહાર તેવા આપણે” ઍ ઉક્તિને વિકસાવીને હું આજે ઍ વાત તરફ ધ્યાન દોરવા માંગુ છું કે જેમના સંગ અને સહવાસમાં આપણે રહીઍ તેમની મહત્વની અસર આપણા મનની સ્થિતિ તથા લાગણીઓ પર થતી હોય છે અને તેથીજ આ લેખને શીર્ષક આપ્યું છે કે “જેવો સંગ ઍવો રંગ”. નીતિશાસ્ત્ર નું પવિત્ર ગ્રંથ, તિરૂકુરાલ, તેના ૪૬ માં અદ્યાય “હલકી સંગતથી દૂર રહવું” માં દસ પદો છે જે આપણે જેવો સંગ સેવીઍ તેની કેવી પ્રબળ અસર આપણાં ઉપર થાય છે તે વર્ણવે છે. “જેમ પાણી પોતાનો માર્ગ જેવી જમીનમાંથી પસાર થાય તેમ બદલે છે, તેમ માણસ પણ સંપર્કમાં આવતા લોકોની પ્રકૃતિને આત્મસાત્ કરે છે.” “આદર્શ માણસ જેણે મનની શુદ્ધતા હાસિલ કરી છે તેને પણ ધર્મનિષ્ઠ ની સંગત મજબૂત બનાવે છે.”

આપણાં વર્તન, ભાષા, ચેતના અને જીન્દગી તરફના વલણ ઉપર આપણે કેવો આહાર લઈઍ છીઍ તેની જેમ અસર થાય થાય છે તેમ આપણે કેવો સંગ સેવીયે છીઍ તેની પણ પ્રબળ અસર થતી હોય છે. ઍટલેજ સારા ધાર્મિક અને ઉચ્ચકક્ષાની આત્મીય જાગૃતિ કેળવતા લોકોના સહવાસમાં રેહવાનું ઘણું અગત્યનું છે. દર થોડા મહીને, હું ઍક ઍવી ઈ-મેલ ખોલું છું જેમાં સ્ત્રી કે પુરુષ અવારનવાર કહે છે કે તેઓ પહેલા નિયમિત ધાર્મિક અભ્યાસ કરતા હતા પણ હવે બંધ કરી દીધો છે અને પાછું શરૂ કરવાની ઈચ્છા ધરાવે છે. મારી સલાહ હમેંશા ઍ રહી છે કે અઠવાડીયે ઍક વાર સત્સંગ ઍવા લોકોનો કરો જે નિયમિત સાધના કરતા હોય. ઍકલા સાધના કરવાની ટેવને ટકાવી રાખવી મુશ્કેલ હોય છે. આપણને માર્ગમાં ઍવા લોકોની સંગત ની જરૂર હોય છે જેનાથી આપણી સાધના મજબૂત રહે, ખાસ કરીને જયારે જિંદગીમાં મુશ્કેલીઓ આવે ત્યારે. જેમકે મારા ગુરૂદેવ, સતગુરુ શિવાય સુબ્રમૂનિયાસવામી, ઘણીવાર કહેતાં, “જુથ વ્યક્તિને મદદ કરે છે અને વ્યક્તિ જુથને.”

ખરેખર, આપણે સમજદારીપુર્વક સાથીઓ પસંદ કરવા જોઈઍ, કારણકે તેઓ નકારાત્મક અસરો પણ પહોંચાડી શકે. દાખલા તરીકે ઍક વાત કહું, શાળાના પહેલા વર્ષ માં દાખલ થતા બાળકને ઍવા મિત્રો મળ્યા જેમને ગાળો બોલવાની આદત હતી, બાળક પેહલાં ક્યારેય ગાળો બોલતો ન હતો પણ હવે જ્યારે તે નવા મિત્રોના સહવાસમાં વધુ સમય વિતાવવા લાગ્યો ત્યારે તેણે પણ તેના મિત્રોની અસભ્ય ભાષા અપનાવી.

જિંદગીના ઍક તબ્બકામાં જ્યારે ધાર્મિક સાથીઓની ખૂબ જરૂરીયાત હોય છે તે વિદ્યાર્થિકાળમાં, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ઘરથી દૂર રહેતા હોય તેમના માટે. તે કાળમાં વધુમાં વધુ નકારાત્મક અસર સાથી વિદ્યાર્થીઓ જેમને ભણવા કરતાં પાર્ટીઓમાં, મોજ કરવામાં વધુ રસ હોય છે તેમના તરફથી થતી હોય છે. વધુ છૂપી પણ ઍટલીજ અવળી અસર ધર્મ વિરોધી શીક્ષકોથી, જેઓ નાસ્તિકતા કે ઈશ્વરના અસ્તિત્વ વિરુદ્ધ પ્રચાર કરતા હોય છે અને ખુલ્લી રીતે હિન્દુ ધર્મની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા હોય છે. આવા લોકો જોડેના મેળાપ થી નકારાત્મક ટેવો સંભવે અને શ્રધ્ધાનો વિલય થાય.

તો પછી યોગ્ય ધાર્મિક સમાગમ શી રીતે કેળવવો? યુનિવર્સિટીઓ કાંઇ સત્સંગ મંડળો કે જેમાં નિયમિત જઈ શકાય તેની સમીપ હોતી નથી. અમારું સૂચન છે કે જે વિદ્યાર્થીઓની યુનિવેર્સીટીઓ મંદિરની નજીક છે, તેમણે અઠવાડિયામાં ઍક વાર મંદિર જવું જોઈયે. સાપ્તાહિક મુલાકાત માટે મંદિર જો ઘણું દૂર હોય તો વિદ્યાર્થી ઍ કમસેકમ મોટા ઉત્સવો દરમિયાન મંદિરે જવાનો પ્રયત્ન કરવો જોઈઍ. હિન્દુ વિદ્યાર્થીના સંગમાં જોડાવાથી બીજા આધ્યાત્મિક વલણ વાળા સમભાવી વિદ્યાર્થીઓ સાથે અરસ પરસ મળવાની તક મળે છે. જો આવું જુથ તમારી યુનિવર્સિટીમાં ન હોય તો તમે અન્યત્ર અસ્તિત્વ ધરાવતા હિન્દુ વિદ્યાર્થી સંઘની શાખા તમારા કેમપસ ઉપર સ્થાપવાનું વિચારી શકો. બીજી શક્યતાઓ ઍ છે કે ભારતીય સાંસ્કૃતીક પ્રવૃત્તીઓમાં ભાગ લેવો, યોગ કે ધ્યાન શીખવાના વર્ગમાં જોડાવું.

તમારા તેજોવ્રુન્દ ને મજબૂત કેવી રીતે કરવો: આપણા ઉત્તમોત્તમ આશયો નિર્લેપ સાથીઓ રાખવાના હોવા છતાં કોઇક્વાર ઍવા લોકો સાથે લાંબુ આદાન પ્રદાન કરવાનો વારો આવે છે કે જેઓ પ્રબળ રીતે ભૌતિક સુખોમાં કે નિરેશ્વરવાદમાં માનતા હોય. આવા સમયે આદાન પ્રદાન માં પડકાર ઍ વાતનો હોય છે કે ઍવા લોકોની લાગણીઓ તમારામાં ન ઉતરે અને તમને વિચલિત ન કરે. આવા સમયે તમારામાંની સુષુપ્ત શક્તિ તમે જો નિહાળી શકો તો તમને જણાશે કે તમારા તેજોવ્રુન્દ માં ઘેરા લાલ, કાદવ જેવા તપકીરી અને લીલા રંગોનો પ્રવેશ તમે રોકી શક્યા નથી. તમારી પાસે પોતાની અંદરની શક્તિ પૂરતી ન હોવાથી તમે બીજાના આ રંગોનું નિવારણ ન કરી શક્યા. આવા વિચારોના રુપો અને અણગમતા રંગો જે બીજાનાં તેજોવ્રુન્દ માંથી આવતા હોય તેને ગૂઢ શક્તિઓની અસર કહે છે.

તેજોવ્રુન્દ ઍ તેજસ્વી, રંગીન દિવ્ય શક્તિ આવરણ છે જે માનવ શરીરની અંદર અને બહાર ફેલાય છે. તેજોવ્રુન્દ ના રંગો સતત તમારા મન, વિચારો, ચેતના અને લાગણીઓના ચડાવ અને ઉતાર પ્રમાણે બદલાતા રહે છે. સદભાગ્યે, ઍવી કેટલીક યોગની પ્રક્રિયાઓ છે જેનાથી તેજોવ્રુન્દ ને ફરી વધુ પ્રદીપ્ત કરી શકો.

મારા ગુરુઍ વર્ણવેલી ઍવી ઍક કસરત નીચે મુજબ છે:

” શાંતિથી બેસી ઉંડા શ્વાસ લો અને મનથી તમારા શરીરના પ્રાણ ને સ્પર્શ કરો. પહેલા તેની કલ્પના કરો અને પછી તેનો અનુભવ કરો. મોટા ભાગના લોકોની પ્રાણશક્તિ તેમની જીવનશક્તિના આધાર પ્રમાણે ઍક કે બે ઈંચ સુધી શરીરની ફરતે ફેલાયલી હોય છે. અલબત્ત, પ્રાણશક્તિ પૂરેપૂરી શરીરમાં પ્રસરેલી હોય છે. જ્યારે તમે શાંતિથી બેસો, ઉંડા શ્વાસ લો અને ધીમેથી તમારી અંગત જીવનશક્તીથી વાકેફ થાવ, તમે તમારા પ્રાણ શરીરમાં દોડતા અનુભવી શકો. તેની આકર્ષક શક્તિનો અહેસાસ કરો, જિંદગીનો અનુભવ કરો. પછી તમે જેમ શ્વાસ બહાર કાઢો ત્યારે, મનથી અને વિચારથી આમાંની કેટલીક જીવનશક્તિને વિમુક્ત કરો. આમ પ્રાણશક્તિ કહો કે જીવનશક્તિ કહો, તેને તમારા તેજોવ્રુન્દ માં ભરી દો. તમે જેમ જેમ શ્વાસ બહાર કાઢો તેમ તેમ આ ચૈતન્ય શક્તિને તમારા તેજોવ્રુન્દ ના બહારની ધાર સુધી, શરીરની બધી બાજુ, માથાથી માંડીને પગ સુધી તેને ભરી દો. તેજોવ્રુન્દ ની બહારની ધાર ઍ ત્રણ ચાર ફૂટ્ સુધી શરીરની આજુ બાજુ વ્યાપેલી હોય છે. આમ તમે તમારા તેજોવ્રુન્દ માં ચૈતન્ય શક્તિ નવ વખત શ્વાસ લઈને ભર્યા પછી, તમને ઍક આકર્ષક કવચ તમારા તેજોવ્રુન્દ ની બહારની ધાર સુધી વ્યાપેલું અનુભવાશે. તમે સુરક્ષિત અને સન્ત્રુપ્ત અનુભવશો. તમારા પોતાના તેજોવ્રુન્દ માં, જે હવે ચૈતન્ય શક્તિથી ભરપુર છે, તમે હવે બિલકુલ સુરક્ષિત છો. દેખીતી અને અનદેખિતિ માનસિક અસરોથી ઘેરાયેલા હશો તેમાંથી મુક્તિ માણવા માંડશો.”

તમારા તેજોવ્રુન્દ ને મજબૂત રાખવાના અને બીજાઓની દુન્વયી અસરો ટાળવાના ઘણા પ્રયત્નો છતાં તેમના કેટલાક વિચારો અને લાગણીઓ આપણા તેજોવ્રુન્દ માં પ્રવેશી શકે અને આપણી આત્મિય શક્તિને નબળી પાડવાની તેમજ આપણો મિજાજ બગાડવાની અસર પાડી શકે. તો પછી શું કરવું? આવા ઘેરા રંગોને આપણા ઈષ્ટદેવ-દેવીઓના મંદિરમાં જઈ કે ઘરના દેવ મંદિરમાંથી આશીર્વાદ મેળવી આપણે હળવા કરી શકીઍ. ધ્યાન ધરવાની પ્રથા થકી પણ આપણે બદલાવ લાવી શકિઍ. નિયમિત મંદિરે જઈને તેમજ ધ્યાન ધરીને આપણે આપણા તેજોવ્રુન્દ ને પવિત્ર રાખીને આપણી આત્મીય શક્તિને ઉચ્ચ કક્ષાઍ જાળવી શકીઍ અને મનને સુખી રાખી શકીઍ.

આપણા તેજોવ્રુન્દ ને પવિત્ર કરવાનો આદર્શ સમય આપણે બહારની દુનિયામાંથી ઘરે પાછા ફરીઍ ત્યારનો છે. ઘરે આવી, સ્નાન કરી ઘરના દેવમંદિર માં ઈષ્ટદેવ- દેવીઓ ના આશિષ મેળવવા. તે મળતાં દુન્વયી તાકતો અદ્રશ્ય થશે અને ઈશ્વર તરફનું ધ્યાન ફરી સચેતન થશે.

મંદિરમાં થતી પૂજામાં હાજરી આપવી ઍ કદાચ આપણા તેજોવ્રુન્દ ને પવિત્ર કરવાનો વધુ શક્તિશાળી માર્ગ છે. મંદિરમાં થતી પૂજા કેવી રીતે પ્રાણ શક્તિને સ્પર્શે છે ઍ મોટાભાગે લોકો સમજતા નથી. અંતિમ આરતી સિવાય પૂજા ઍ ઈષ્ટદેવને પ્રાણ શક્તિ આપવાની પ્રક્રિયા છે. ફળ, ફૂલ, પ્રસાદ, પાણી, અને દૂધ ધરવાથી ઈશ્વરને પ્રાણ અપાય છે. પછી છેલ્લી આરતી દરમ્યાન દેવ દેવીઓ આ પ્રાણ શક્તિ પાછી બધા ભક્તોના તેજોવ્રુન્દ માં ભરી દે છે. ઍમના અંત:કરણ ની શુદ્ધિ થાય છે. ભક્તો આ આશિર્વાદ લઈ મંદિરમાંથી નીકળે ત્યારે મનના બધા પ્રશ્નો અને ભારથી મુક્ત થાય છે.

મારા ગુરૂદેવની આધ્યાત્મિક સબંધોની અગત્યતા ઉપર આ અંતિમ સલાહ છે: “પવિત્રતા અને શુદ્ધિ જાળવવા વ્યક્તિઍ દિવ્યતા ધરાવતા સારા સાથીઓ અને મિત્રો કેળવવાનું અગત્યનું છે. જેથી કરીને વ્યક્તિ- વ્યક્તિ વચ્ચેનો તફાવત સમજી શકાય. ઘણા મૂર્ખ અને લાગણીશીલ આત્માઓ ઍવું માનીને ફસાયા છે કે તેમની આધ્યાત્મીકતા બીજાને અંધકારની દુનિયામાંથી બહાર લાવશે. આવી માન્યતાવાળા તેવા માર્ગે જતા રહ્યા છે કે જ્યાં મહાદેવો અને દેવો પણ જવાનો ભય સેવે. પરિણામ માં તેઓ માત્ર દુનિયાના વમળમાં ભરાઈને કપટીઑની છેતરપીંડી માં ભરાયા છે. આપણે મૂર્ખા બનવાની જરૂર નથી. આપણે ઉંચી માનસિકતા અને હલકી માનસિકતા વચ્ચેનો ભેદ સમજીઍ. ઉંચી આધ્યાત્મિક માનસિકતા વાળા લોકોઍ તેમના જેવાજ લોકોનો સાથ-સંગાથ કરવો જોઈઍ, જેથી કરીને તેમની પ્રવિત્રતા અને શુધ્ધિ જળવાય. તિરૂકુરાલ જણાવે છે કે ” મન અને વર્તનની શુધ્ધિ આ બે માણસની સંગત ની શુધ્ધિ પર આધાર રાખે છે.”

Leave a Comment

Your name, email and comment may be published in Hinduism Today's "Letters" page in print and online. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top