Read this article in:
English |
Gujarati |
Hindi |
Marathi |
Russian |
Spanish |
Tamil

આધુનિક હિન્દુ ગ્રંથોમાં, હિન્દુ આધ્યાત્મિક અભ્યાસનો સૌથી સામાન્ય સારાંક્ષ એ ચાર યોગ છે: કર્મ (કામ), ભક્તિ (ધાર્મિકતા), રાજ (ધ્યાન) અને જ્ઞાન. હવે આપણે દરેકના સંક્ષિપ્ત વર્ણન થી શરુવાત કરી “યોગનો કયો માર્ગ મારે આ સમયે લક્ષ્ય માં રાખવો?” એ પ્રશ્નનું ચિંતન કરીએ.

કર્મ યોગ એ કામનો માર્ગ છે. તેની શરુવાત કુકર્મો થી મુક્તિ થકી થાય છે. તે પછી આપણે જે કામ સ્વાર્થી ઈચ્છાઓથી પ્રોત્સાહિત થયું હોય, જેનાથી માત્ર આપણને પોતાને જ લાભ થતો હોય, તેમાંથી મુક્તિ મળે છે. ત્યાર બાદ આપણા જીવનની ફરજોને સભાનતાપૂર્વક પરિપૂર્ણ કરવાની ઈચ્છા જાગે છે. કર્મ યોગનું એક સૌથી મહત્વનું પાસું છે, બીજાની મદદ માટે નિસ્વાર્થ સેવા, જ્યારે આપણે તેમાં સફળ થઈએ, ત્યારે આપણું કાર્ય એક પૂજામાં પરિવર્તિત થાય છે. મારા પરમગુરુ શ્રીલંકાના યોગસ્વામીએ આ આદર્શ નું સત્વ સમજાવતા કહ્યું, “દરેક કાર્ય ભગવાન તરફના સંપર્કમાં આવવાના ઉદ્દેશથી જ કરવું જોઈએ.”

ભક્તિ યોગ એ ઉપાસના અને ઈશ્વર પ્રત્યેના પ્રેમનો માર્ગ છે. જેના અભ્યાસમાં ભગવાન વિષેની વાર્તાઓ સાંભળવામાં, ભક્તિભાવ વાળા ભજનો ગાવામાં, તીર્થયાત્રા, મંત્ર જાપ અને મંદિરમાં તેમજ પોતાના ઘરમાં થતી પૂજા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. ભક્તિ યોગ નું ફળ છે ઈશ્વર સાથેનો ખુબજ નજદીકનો અરસપરસ નો સંબંધ, એવી પ્રકૃતિનો વિકાસ જેનાથી આ સહભાગિતા શક્ય બને- પ્રેમ, નિસ્વાર્થતા અને પ્રવિત્રતા- છેવટે પ્રપત્તિ, ઈશ્વર માટે પોતાના અસ્તિત્વને ભૂંસી નાખી બિનશરતી સંપૂર્ણ સમર્પણ. મારા ગુરુ સિવાય સુબ્રમુન્યસ્વામીએ આનું સ્પષ્ટ વર્ણન કર્યું: “ઈશ્વર પ્રેમ છે, અને ઈશ્વરને પ્રેમ કરવાનો પવિત્ર માર્ગ આગમ (પવિત્ર શાસ્ત્રગ્રંથ) માં સૂચવેલો છે. ખરેખર, આ શાસ્ત્રો એટલે ઈશ્વરનો પોતાનો અવાજ, સંસારી જે પુનર્જન્મ ની માયાજાળામાં ફસાયેલો છે, તેને ચેતવણી આપે છે, ક્ષણિક પ્રેમને ત્યાગીને જે અવિનાશી અને અમર છે તેને આદરપૂર્વક પૂજો. ઈશ્વરનો આદર કેવી રીતે કરવો, ક્યારે અને કઈ જગ્યાએ, કયા મંત્ર અને કયા માનસિક ચિત્ર દ્વારા અને કયા શુભ સમયે, આ બધું આગમ માં સુરક્ષિત છે.”

રાજ યોગ એ ધ્યાન નો માર્ગ છે. તે એક આઠ પ્રગતિકારક અવસ્થાઓ ના અભ્યાસની પધ્ધતિ છે: નૈતિક સંયમ, ધાર્મિક નિયમોનું પાલન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધરણ, ધ્યાન અને સમાધિ અથવા આત્મસ્થ થવુ. ધ્યાન નો હેતુ બદલાતા મન પર સંયમ લાવવાનો છે જેથી- વ્યક્તિગત ચેતના જે મનના બદલાવમાં ડુબેલી રહે છે- તે પોતાના મુળભુત રૂપમાં ટકી રહે. આ કાબૂ અભ્યાસ અને વૈરાગ્યથી આવે છે. મારા ગુરુએ બદલાતા મનને સમજાવવા ચિત્ત કે ચૈતન્ય નો ઉપયોગ કર્યો : “ચિત્ત અને વ્યક્તિગત ચેતના એ એક જ છે જ્યારે વ્યક્તિગત ચેતના એ સંપૂર્ણ રીતે અભિન્ન પણે જેના પર વાકેફ હોય તેની સાથે જોડાયેલી હોય. તે બન્નેને જુદા પડવા એ યોગની ઉચ્ચ કક્ષાની આવડત છે.”

જ્ઞાન યોગ એ માહિતી મેળવવાનો માર્ગ છે. તેમાં આધ્યાત્મિક અભ્યાસ તેમજ વાસ્તવિક અને કાલ્પનિક ના તફાવતની સમજણ નો સમાવેશ થાય છે. જો કે જ્ઞાન શબ્દનું મૂળ જ્ઞ, જેનો અર્થ જાણવું થાય, તેમાં એક ઉચ્ચ આધ્યાત્મિક સૂચન છે. તે માત્ર બૌધિક જ્ઞાન નથી પણ આંતરજ્ઞાનનો અનુભવ છે. શરુવાત એક માંથી થઈ બીજા પર આવે છે. જ્ઞાન યોગમાં ત્રણ પ્રગતિશીલ અવસ્થાઓ છે. શ્રવણ (શાસ્ત્રોનું શ્રાવણ), મનન (વિચાર અને ચિંતન) અને નીધીધ્યાસન (અવિચલ અને ઉંડુ ધ્યાન). ઉપનિષદના ચાર મહાવાક્યો ઘણીવાર ચિંતનનો વિષય બને છે: “બ્રહ્મન અને જીવ એક જ છે.”, “ચિત્ત એ બ્રહ્મન છે.”, “આ આત્મા એ બ્રહ્મન છે.” અને “હું બ્રહ્મન છું.” સ્વામી ચિન્મયાનંદા, ચિન્મયા મિશનના સ્થાપક કહેતા : “જ્ઞાન યોગનો ઉદ્દેશ્ય એ વાસ્તવિક અને કાલ્પનિક નો ભેદ સમજીને છેવટે પોતાના અસ્તિત્વનું ઈશ્વર સાથે સાક્ષાત્કાર કરવાનો છે.”

સંક્ષિપ્તમાં આ ચાર યોગના માર્ગને જોયા પછી, હવે જોઈએ કે તેમના તરફ નો અભિગમ જુદી જુદી સંસ્થાઓમાં કેવો છે. તમને આ કદાચ મદદરૂપ થશે એ નક્કી કરવામાં કે કયો યોગનો માર્ગ તમારા અત્યારના આધ્યાત્મિક વિકાસમાં જરૂરી છે.

સૌથી પહેલો અને ખૂબ પ્રચલિત અભિગમ છે, તમારી પ્રકૃતિ પ્રમાણે યોગનો માર્ગ પસંદ કરો. દક્ષિણ કેલીફોર્નિયામાં આવેલી, વેદાંત સોસાયટી આ રસ્તો તેમની વેબ સાઈટ પર બતાવે છે: “આધ્યાત્મિક અભિલાષી ચાર માનસિક પ્રકારમાં વહેંચાય છે: ખાસ કરીને ભાવનશીલ, બૌધિક, શારીરિક રીતે ઉધ્યમી, ધ્યાનશીલ. ચાર મુળભુત યોગ માર્ગો આમ દરેક માનસિક અવસ્થા માટે બરાબર છે. આ અભિગમમાં, ભક્તિ યોગ એ ભાવનશીલ લોકો માટે, જ્ઞાન યોગ બૌધિક માટે, કર્મ યોગ ઉધ્યમી માટે અને રાજ઼ યોગ ધ્યાનશીલ લોકો માટે હોય છે.

જો કે ઘણીવાર એમ પણ સલાહ આપવામાં આવે છે કે જેઓ બૌધિક વલણવાળા હોય તેમણે જ્ઞાન યોગ થી દૂર રહેવું. લીંડા જૉનસન, આ વાત તેના પુસ્તક હૂન્દુઇસમ ફોર ઈડિયટ્સ માં જણાવે છે, “તમે બુધ્ધિમાન છો તેમ વિચારો છો? આશ્ચર્યની વાત છે કે હિન્દુ ગુરુઓ ઘણીવાર તેજસ્વી લોકોને સલાહ આપે છે ભક્તિ માર્ગ લેવા તરફ નહીં કે જ્ઞાન માર્ગ. તેનું કારણ છે કે ખૂબ બુધ્ધિમાન લોકો ઘણીવાર ખુલ્લા દિલની નિખાલસતા શીખવાથી વધુ લાભ મેળવે છે. જ્ઞાન માર્ગ બૌધિક લોકો માટે નથી જેટલો એ જેમનું અંતરજ્ઞાન ખૂબ પ્રબળ હોય અને જેમને ઈશ્વરની અનુભૂતિની તીવ્ર ઈચ્છા હોય તેમના માટે.”

બીજો અભિગમ છે જેમાં તમારી પ્રકૃતિ મુજબ એક માર્ગ પસંદ કરો પરંતુ બીજા ત્રણ માર્ગોનો પણ અભ્યાસ કરો. સ્વામી શિવાનંદા, ડિવાઇન લાઇફ સોસાઇટી ના સ્થાપક કહેતા, કે વ્યક્તિ સામાન્ય રીતે એક માર્ગ તરફ ખેંચાય છે, પરંતુ બીજા ત્રણ માર્ગનો અભ્યાસ જરૂરી છે જો સાચું જ્ઞાન મેળવવું હોય તો. તેમની સંસ્થાનો મુદ્રાલેખ છે, “સેવા, પ્રેમ, ધ્યાન, સત્યની જાણ,” જે ચાર યોગના માર્ગનું વર્ણન છે: કર્મ, ભક્તિ, રાજ અને જ્ઞાન.

ત્રીજો અભિગમ જે એ વાત પર ભાર મૂકે છે કે કોઈ એક માર્ગ સર્વોચ્ચ છે અને જેને દરેકે અપનાવવો જોઈએ. વૈષ્ણવ સંસ્થાઓમાં સામાન્ય રીતે ભક્તિ માર્ગ, ધાર્મિક અભ્યાસ અનુયાયીઓ માટે ધરવામાં આવે છે. એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં, મોક્ષની પ્રાપ્તિ માટે પોતાના અસ્તિત્વને ભૂસી નાખી ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ પર વધુ મહત્વ આપવામાં આવે છે. તે ઉપરાંત કર્મ યોગ ની સલાહ આપવામાં આવે છે, જે આત્મ શુધ્ધિ માટે અને ભક્તિના અભ્યાસ માટે જરૂરી છે. શ્રી રામાનુજ કહેતા કે ધ્યાનની તૈયારી માટે, અથવા ઈશ્વરના મનનપુર્વક ધ્યાન માટે, દરેક વ્યક્તિએ કર્મ યોગમાં જોડાવું જોઈએ.

કેટલાક વેદાંત ના પંથ જ્ઞાન માર્ગ બધા માટે સુચવે છે. દાખલા તરીકે, આદી શંકરનો સ્માર્ત પંથ, જ્યાં કર્મ યોગને શરુવાતમાં પ્રારંભિક અભ્યાસ રૂપે અમલમાં મૂકી વ્યક્તિ જ્ઞાન યોગ તરફ વળે છે. જેની વ્યાખ્યા એ છે કે તત્વજ્ઞાનના તફાવત પર આધારીત ધ્યાન. આ વિચાર એ શંકરની વિવેકચૂડામણી માં મળે છે: “કામ એ મનની શુધ્ધિ માટે જરૂરી છે, સચ્ચાઈ ની જાણકારી માટે નહીં. સત્ય ની જાણકારી વિવેકશક્તિ દ્વારા થાય છે નહીં કે સેંકડો કામ કરવાથી.”

ચોથો અભિગમ એ છે કે કર્મ યોગ, ભક્તિ યોગ અને રાજ યોગ જરૂરી છે જ્ઞાન યોગના અભ્યાસ માટે અથવા તો ઈશ્વરના સાક્ષાત્કારના અનુભવ માટે. વિશ્વ ધર્મ મંડળ, ન્યૂ યોર્કના સ્વામી રામકૃષ્ણનન્દે લખ્યું: “જ્ઞાન યોગમાં ઉંડા જતા પહેલાં, એ જરૂરી છે કે શિષ્ય સેવા અથવા કર્મ યોગમાં વિકસે, ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં, ભક્તિ યોગમાં ખીલે, ધ્યાન કે રાજ યોગમાં ડૂબે, કેમ કે આ તત્વજ્ઞાનનો અભ્યાસ જરૂરી તૈયારી વગર કરવામાં આવે તો વ્યક્તિનું “લિપ વદંતિસ્ટ” એટલે કે જેને માત્ર પુસ્તકનું જ્ઞાન હોય, તેમાં રૂપાંતર થઈ જવાનો ભય રહે છે, આવી વ્યક્તિ જે વાતો કરે છે, તેની તેને સાચા રૂપે સમજણ નથી હોતી.”

શિવાનંદ વેદાંત સેંટરના સ્વામી વિષ્ણુવેદનંદા એ આવો જ વિચાર વ્યક્ત કર્યો: “જ્ઞાન યોગના અભ્યાસ પહેલા, વ્યક્તિએ બીજા યોગ માર્ગના બોધપાઠ નો સાર સમજવો જરૂરી છે- કેમ કે નિસ્વાર્થતા અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ સિવાય, શારીરિક અને માનસિક સામર્થ્ય સિવાય, આત્મશાક્ષાત્કાર ની શોધ માત્ર મિથ્યા તર્ક જ બની રહે છે.”

સતગુરુ સિવાય સુબ્રમુન્યસ્વામીએ આ ચોથા અભિગમનું ડહાપણ જોયું. તેમણે કહું, “કર્મ યોગ અને ભક્તિ યોગ ઉચ્ચ તત્વજ્ઞાનના અભ્યાસ માટે જરૂરી છે.” હકીકતમાં, તેમણે શીખવ્યું કે યોગ (અથવા પદ) એ સંગૃહિત અવસ્થાઓ છે. ખાસ કરીને જેમ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગ માં વિકાસ કરે ત્યારે એક પણ યોગ યોગ અવસ્થાને છોડી ન શકાય. ભક્તિ વિશે તેમણે કહ્યું, “આપણે ક્યારેય મંદિરની ઉપાસનથી વધી જતા નથી. એ માત્ર વધારે ઉંડી અને મહત્વપૂર્ણ બને છે જેમ આપણે ચાર આધ્યાત્મિક અવસ્થામાં આગળ વધીયે ત્યારે. કર્મ યોગ (ચર્ય પદ) નિસ્વાર્થ સેવાની અવસ્થામાં, આપણે મંદિરમાં હાજરી એટલા માટે આપીએ છીએ કેમ કે તે જરૂરી છે, કેમ કે આપણી પર તેવી આશા રખાય છે. ભક્તિ યોગ (ક્રીયા પદ)માં, ઈશ્વરની ઉપાસના માટે, આપણે મંદિર એટલા માટે જઈએ છીએ કેમ કે આપણને જવું ગમે છે; આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ પ્રેરણારૂપ બની રહે છે. યોગ પદમાં, આપણે ઈશ્વરને આંતરિક રીતે ભજીએ છીએ, હ્દયના ઉંડાણમાં, તે છતાં પણ આધ્યાત્મિક મનની ઉંડાઈમાં ડૂબેલા મહાન યોગી પણ મંદિર થી વિશેષ નથી. એ તો ત્યાંજ છે- ઈશ્વરનું આ પૃથ્વી પરનું રહેઠાણ- જ્યારે યોગી પોતાની સામાન્ય ચેતનામાં પાછો જાગે છે ત્યારે. જેમણે જ્ઞાન પદને સંપૂર્ણ રીતે સમજી લીધું છે તેમની માટે મંદિરની ઉપાસના એટલી પરિપૂર્ણ હોય છે કે તેઓ પોતે જ ઉપાસના નાં ધ્યેય બની રહે છે- જીવતા, જાગતા મંદિરો.”

કયો યોગનો માર્ગ કે માર્ગો લેવા તે બાબતે ગુંચવાઈ ગયા? ખરેખર, જો તમારા ગુરુ હોય તો, આ ચર્ચાનો ઉત્તમ વિષય બની રહે. જો ગુરુ ન હોય, તો રુઢિચુસ્ત અભિગમ એ છે કે પહેલા કર્મ અને ભક્તિ યોગ પર ધ્યાન આપો. આ માર્ગો અહંકાર અને બીજા વિઘ્નો જે ઉંડા શાક્ષાત્કાર માટે અવરોધ રૂપ બને છે તેમને ઝડપથી હટાવે છે. મોટા ભાગના લોકો પોતાના માર્ગના આ વિઘ્નો ના નિરાકરણ પર ઉપેક્ષા સેવે છે. આ રીતના અભ્યાસનો ફાયદો છે કે, ધીમે ધીમે મનની શુધ્ધતા આવે છે, વધુ નમ્રતા અને સ્થિરતા નો વિકાસ થાય છે અને ભક્તિભાવ જાગે છે અને નિશ્ચિત રીતે આપણા બધા કર્યો આપણને દ્રઢતાપુર્વક ઈશ્વરની નજીક લઈ જાય છે.