જ્યારે બાળકો હિન્દુ ધર્મ અપનાવે ત્યારે

Read this article in:
English |
Spanish |
Hindi |
Gujarati |
Tamil |
Marathi

ઘણીવાર હિન્દુ ધર્મના ઉદ્દેશો અને રીતરીવાજો બાળકો અને યુવાનોને સમજાવતી વખતે તેમને હાથવગાં સાધનોના બદલે ચુસ્ત નિયમો તરીકે રજુ કરવામાં આવે છે. નિયમો તો જીવનમાં આપણે જે કાંઈ કરી શકીયે તેની રૂકાવટ કરનારા અને બધી મજા બગાડનારા લાગે. ખાસ કરીને બાળકો ઘણાં બધા નિયમો સામે બંડ પોકારવાનું માનસ ધરાવતા હોય છે. ઉલટ પક્ષે સાધનો અથવા હથિયારો તેમને વધુ અસરકારક અને જીવનની ગુણવત્તા ઉંચી લાવનારા લાગે.

અગવડભર્યા નિયમોને આપણે સરળતાથી સમજાવી શકાય તેવા આકર્ષક સાધનોના સ્વરુપમાં બદલી શકીઍ જેનાથી રિવાજ અને આચરણના હેતુ અને લાભ સમજાવીને રજુ કરી શકીઍ. આનો હેતુ બાળકોનો રસ જાગૃત કરવાનો અને તેમને ઍ દર્શાવવાનો કે હિન્દુત્વ તેમને કેવી રીતે તેમના આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરવા તેમજ જીવનને વધુ સુખી અને સફળ બનાવવામાં મદદરૂપ થઈ શકે. પ્રેરણાના બળથી લોકો આગળ વધે છે અને નહીં કે નિયમોના વડે અને આ બાબતમાં બાળકોનું માનસ કાંઈ જુદુ હોતું નથી.

કલ્પના કરો કે ઍક બાળક તેના માતાપિતાને કુટુંબની ત્રણ પ્રથાઓ અંગે પડકાર ભર્યા પ્રશ્નો કરે છે: ” આપણે શાકાહારી શાથી છીઍ?” ” શાથી આપણે દર અઠવાડીયે મંદિરમાં જવું જોઈઍ?” “મારા મિત્રો હિપ-હોપ સંગીત સાંભળી શકે છે પણ મારાથી તે કેમ ના સાંભળી શકાય?” કમનસીબે માતાપિતા આવા પ્રશ્નોના વિચારપૂર્વક અને સંપૂર્ણ જવાબો આપવા સમય ન ફાળવી શકે અને તેથી ટુંકમા પટાવવા ભારપૂર્વક કહી છૂટે “આ બધુ આપણું કુટુંબ હમેશ કરતું આવ્યું છે.” કારણકે તેમના મિત્રોને આવા ચુસ્ત નિયમો પાળવાના હોતા નથી તેથી ઍવા જવાબો સાંભળતાં તેઓ ઍવા નિષ્કર્ષ ઉપર આવે છે કે હિન્દુત્વ ઍ તો નિયમોની સંહિતા છે જે જીવનને કુન્ઠીત અને દુખી કરે છે. આવા પ્રશ્નોના જવાબો જે નિયમોને સાધનોમાં પરિવર્તીત કરે તેની ચર્ચા કરતા પહેલા આપણે પાયાના ઉદ્દેશોની તપાસ કરી લઈઍ. આ પાયાના ઉદ્દેશોને હું “મહાન વિચારો” કહું છું.

બે મહાન વિચારો

પહેલો મહાન વિચાર ઍટલે દરેક બાબત આપણી ચેતનાને સ્પર્શે છે. મારા ગુરુ ના ગુરુ શ્રીલંકાના યોગાસ્વામીઍ સ્પષ્ટતા કરેલી કે “તમે જેવું વિચારો તેવા બનો. જો તમે પ્રભુ વિચારો કરો તો તમે પ્રભુ બનો. તમે ખોરાક વિચારો તો ખોરાક બનો. દરેક વસ્તુ ચેતનાને અસર પહોંચાડે છે.”

બીજો મહાન વિચાર ઍ છે કે આપણે દરેક જણ ઍક આત્મા છે, ઍક સ્થૂળ શરીરમાં રહેતો દિવ્ય જીવ. આપણા સ્વભાવ ત્રણ પ્રકારના હોય છે. અંતરના ઉંડાણ ની કક્ષાઍ આપણે પવિત્ર, ઝળઝળતો આનંદ સ્વરૂપ આત્મા છીઍ. ઍ આપણી આધ્યાત્મિક પ્રકૃતી અથવા સ્વભાવ છે. આપણી પાસે બૌધિક સ્વભાવ અને ક્ષણિક ઉભરતી લાગણી પ્રેરિત સ્વભાવ પણ હોય છે. સારાંશ, આપણમાં ત્રણ પ્રકૃતિ હોય છે. આધ્યાત્મિક સ્વભાવ ( જાણવું, અસ્તિત્વ સમજવું), બૌધિક (વિચારતો) સ્વભાવ અને ક્ષણિક ઉભરતી લાગણી સભર(સંવેદનાત્મક) સ્વભાવ .ક્ષણિક ઉભરતી લાગણીસભર સ્વભાવમાં આપણી નિમ્ન કક્ષાની પશુ જેવી પ્રકૃતિનો સમાવેશ થાય છે. તેમાં પોતાનું સંરક્ષણ, સંવર્ધન, ભૂખ અને તરસનો સમાવેશ થાય છે. ઉપરાંત લાલચ, દ્વેષ, કામ, ક્રોધ,ભય અને જલન જેવી લાગણીઓ સમાયેલી હોય છે.

બૌધિક પ્રકૃતિમાં આપણી વિચાર અને દલીલ કરવાની તેમજ તર્કબદધ તારણો કરવાની શક્તિવાળા સ્વભાવનો સમાવેશ થાય છે. સારું-નરસુ, ખરુ- ખોટુ અલગ તારવવાની વિચાર શક્તિનું ઍ મૂળ છે. આંતરિક પ્રેરણા પ્રેરિત સ્વભાવ ઍ મનને પ્રકાશિત કરનારી, સર્વજ્ઞાની, સર્વવ્યાપી જાગૃતીવાળી સત્ય અને પ્રેમભરી પવિત્ર ચેતના સ્વરુપ પ્રકૃતિ છે. આ આપણો આધ્યાત્મિક સ્વભાવ છે.

આ બે મહાન વિચારોની મદદથી આપણે હવે પેલા ત્રણ પ્રશ્નોના જવાબ આપવા સમક્ષ છીઍ.

આપણે શાકાહારી શાથી છીઍ?

ભારતમાં શાકાહારના મૂળ ઉંડા નંખાયેલા છે અને માસ ન ખાવું ઍ ભાગ્યેજ ટીકા નોતરે છે. બીજા દેશોમાં જો કે શાકાહારી રહેવું ઍ અપવાદ ગણાય. શાકાહારી બાળકોની ઘણીવાર હાંસી ઉડાવવામાં આવે છે, અને અન્ય વડીલો તરફથી પણ તેમની ટીખળ થાય છે જેનાથી દબાણ આવે છે. આટલું જાણે પૂરતું ન હોય તેમ મોટા ભાગની શાળાઓમાં અને સામાજીક અવસરોમાં શાકાહારી ખોરાક ઘણો ઓછો, કલ્પના રહિત અને આરોગ્યને હાનીકારક હોય છે. વાસ્તવમાં શાકાહારી વિદ્યાર્થી ત્યાં ખાઈ શકે ઍવું કશું હોતું નથી.

તેથી ઍમાં લગીરે આશ્ચર્ય નથી કે બાળકો સહેલો માર્ગ અપનાવી શાકાહારી ખોરાક ને તીલાંજલી આપે છે. આમ છતાં શાકાહારી રહેવા માટે ઘણાં વજુદવાળા કારણો છે. ઍમાં પ્રમુખ કારણ ઍ છે માંસ ખાવાથી તેમની ચેતના ઉપર નકારાત્મક અસર થાય છે અને તે તેમને ક્ષણિક ઉભરતી લાગણીસભર પ્રકૃતિમાં આણે છે.

બાળકોને ઍ સમજાવો કે જો તેમને ચેતનાની ઉચ્ચ કક્ષાઍ આત્માની પ્રકૃતિમાં શાંતિ અને આનંદ થી તમામ જીવો સાથે પ્રેમ જાળવી જીવવું હોય તો તેમણે માંસ, માછલી, દરિયાઈ જીવો, મરઘી કે ઈંડા ખાવા ન જોઈઍ. આનું કારણ છે કે પશુઓના ખોરાકની વિકૃત રસાયણીક અસરો શરીર અને મનમાં પરોવવાથી ક્રોધ, અદેખાઈ, ભય, ચિંતા, શંકા અને મૃત્યુનો ભયાનક ભય ઍ બધાં હલાલ કરેલા પશુના માંસમાંથી બાયોકેમિક તત્વો રૂપે ખાનારમાં પ્રવેશે છે.

બીજા શબ્દોમાં કહીઍ તો માંસ ખાવાથી બાળકો માં હલકો ક્ષણિક ઉભરતો લાગણી સભર સ્વભાવ મજબૂત થશે અને તેમની પ્રકૃતિમાં ઉપરોક્ત હલકી કક્ષાનાં તત્વો પ્રવેશશે. માંસ ખાવાથી તેઓ ગુસ્સે થશે અને મૂડ બગાડશે. શાકાહારી રહેવું ઍ ઘણું મહત્વનું છે. મારા ગુરુ કહેતા કે તેમના પચાસ વર્ષના સન્યસ્થ જીવનમાં ઍ સ્પષ્ટ દેખાઈ આવ્યું છે કે શાકાહારી કુટુંબોને બીન શાકાહારી કુટુમ્બોની સરખામણીમાં ઘણા ઓછા પ્રશ્નો કે પ્રોબ્લેમ હોય છે. જે બાળકો આ અંગે જાગૃતિ ધરાવતા થયા છે તેઓ સ્વયં વિશ્વમાં બધે જ શાકાહારી બન્યા છે. અને આજકાલ જી પી ઍસ પ્રેરિત આઈ પૅડ, થોડુંક સંશોધન અને મૌલીકતા ને લીધે શાકાહારી વાનગીના વિકલ્પો સર્વત્ર જોવા મલે છે.

આપણે શાથી દર અઠવાડિયે મંદિર જવું જોઈઍ?

બાળકોને સમજાવો કે મંદિરમાં પ્રાર્થના કરવી ઍ હિન્દુ ધર્મે આપણને આપેલો રૂઢિગત રસ્તો છે જેના વડે આપણે આત્મા સાથે સંપર્ક સાધી આનંદ ઍટલે કે જે આત્માની કુદરતી પરમાનંદ પ્રકૃતિ છે તે અનુભવીયે છીઍ, અસંતોષ અને બેચેનીની સ્થિતીમાં તેઓ મંદિરમાં જશે અને આશિષ પામીને તેઓ પ્રફ્ફુલિત અને સુખી મને પાછા ફરશે. આ શી રીતે શક્ય બને છે? પ્રભુના આશિષ થી તેમનું મન તેમજ વિચાર અને લાગણીમાં ઉદભવેલા ગુંચવાડા સાફ થાય છે અને તેમનું પોતાના અંતર મન સાથે મિલન શક્ય બને છે. મળેલા આશિર્વાદ ને લીધે તેઓ ક્ષણિક ઉભરતી લાગણી સભર સ્વભાવમાંથી ઉપર આવે છે તેમજ તેમની બૌધિક પ્રકૃતિને ઢીલી પાડી આધ્યાત્મિક પ્રકૃતિ તરફ તેમને વાળે છે.

ઍક વાર બાળકો ઍ વાત સ્વીકારશે કે જયારે તેઓ વ્યથિત હોય ત્યારે તેમની લાગણીઓને સ્થીર કરવા માટે મંદિરમાં પ્રાર્થના કરવી ઍ ઉપયોગી સાધન છે પછી કુટુંબ સાથે મંદિરમાં જવાની તેમની અનિચ્છા ઓગળી જશે. તેના થકી મંદિર ઍ કેવળ માતાપિતા માટેજ નહીં પણ તેમના માટે પણ મહત્વનું બની જશે. કપરા સંજોગોમાં શાંત અને કેન્દ્રિત રહેવામાં મંદિરમાં કરેલી પ્રાર્થના તેમને મદદ કરશે. તેમને ઍ વાતની પણ પ્રતીતિ થશે કે યોગ્ય માનસિકતમાં મંદિરમાં જવાથી તેઓ મુંઝવણ માંથી ઉગરવાનું બળ ઍકત્રિત કરે છે. તે ઍક ઍવું સ્થળ છે કે જ્યાં લાંબા સમયથી દુભાયેલી લાગણીઓનું દુ:ખ ઓગળી જાય છે.

મંદિર જઈ પોતાને મુંઝવતા પ્રશ્નો પ્રભુના ચરણે પોતાની ભેટો સાથે ધરવાનું બાળકોને શીખવો. ઉપરાંત પોતાના દુ:ખો ની દુનિયામાં પોતાના મિત્ર સમક્ષ કરતા હોય તેમજ દેવ- દેવી સમક્ષ વાત તેઓ કરે. જો સાચા અર્થમાં તેઓ દિલ ખોલશે તો તેઓ આંતરિક ઍવી પ્રક્રિયા માંથી પસાર થશે કે તેમને લાગશે કે તેઓ પ્રભુના આશિષ પામે છે. તેમને મંદિર છોડી પરત જતાં ખ્યાલ પણ નહી રહે કે કયો પ્રશ્ન તેમને મુંઝવતો હતો. આ સફળતાની નિશાની છે.

સપ્તાહમાં ઍક વખત મંદિરમાં જવાના ફાયદા કાંઈ દિલની લાગણીઓ દુભાયેલી હોય ઍવા સમય પૂરતા મર્યાદિત નથી હોતા. જ્યારે જીવનમાં બધું બરાબર જતું હાય ત્યારે પણ મંદિરમાં પ્રભુને ઍકચિત્તે, તનમયતાથી ભજવાથી તેઓ તેમના આધ્યાત્મિક સ્વભાવમાં ઉંડા ઉતરી આનંદ માણશે. તેઓ વધુ દયાવાન થશે અને જીવનના પડકારોનો સામનો તેઓ વધુ સારી રીતે કરી શકશે. તમારા બાળકને જ્યારે ઍ વાતની પ્રતીતિ થશે કે મંદિરમાં પ્રાર્થના ઍ ઍક શક્તિશાળી હિન્દુ સાધન છે અને નહીં કે વડિલોઍ ઘડેલો ઍક નિયમ, ત્યારે તે પોતેજ તમને દર અઠવાડિયે મંદિર લઈ જવાનું કહેશે.

મારાથી હિપ-હોપ સંગીત કેમ ન સાંભળી શકાય?

સંગીત જ્યારે બહુ લાંબા સમય સુધી સાંભળ્યાજ કરવામાં આવે ત્યારે તે આપણી ચેતનાની સ્થિતિને પ્રબળ રીતે અસર કરે છે. બાળકો જે કાંઈ સાંભળે તે તેમને ચેતનાની ઍક કે બીજી સ્થિતિમાં લઈ જાય છે. મારા ગુરુ શિવાય સુબ્રમુન્ય સ્વામી આ બાબતે સ્પષ્ટ વક્તા હતા. ઍમને ઍમ લાગતું કે કેવા પ્રકારનું સંગીત ઘરમાં વગડાય છે અને તે કેવો સંદેશ આપે છે ઍ ઘણું મહત્વનું છે. તેઓ કહેતા કે હલકા પ્રકારનું સંગીત અને ક્ષુદ્ર લાગણીઓ ઉશ્કેરતાં ગીતો ટાળવા વિશેષ કાળજી લેવી જોઈઍ. ડ્રગ કે નશાની સંસ્કૃતિ અને રાક્ષશી સંગીત માણસના ચારિત્ર્ય અને સંસ્કૃતિના તાણા વાણા ભૂંસી નાખે છે. જો તમારા બાળકને આ વાત ગળે ઉતરશે તો તેની સંગીતની પસંદગીમાં બદલાવ આવશે. આવો બદલાવ તમે નિયમો ઠોકી બેસાડો છો તેને લીધે નહીં પરંતુ ઍ સમજણ ને લીધે કે જુદા જુદા પ્રકારનું સંગીત મનને અને મુડને કેવી અસર પહોંચાડે છે. કમસેકમ ઍટલું તો થશે જ કે બાળક નકારાત્મક અને હલકું હિપ-હોપ સંગીત ટાળશે અને ઉચ્ચ કક્ષાના સુરો અને ગીતો સંભાળશે. આદર્શ વાત તો ઍ છે કે ઘરમાં રૂઢિગત ચાલી આવતાં વાજિન્ત્રો સાથે સુંદર હિન્દુ સંગીત વગડાય, જે કુટુંબના દરેકને પોતાના વિશુદ્ધ અને સંસ્કૃતીભર્યા આત્મીય આધ્યાત્મિક સ્વભાવ તરફ લઈ જાય.

યાદ રાખો કે સાધનો નિયમો કરતાં વધુ અસરકારક છે!

તમારા બાળકના દરેક હિન્દુ પ્રથા અંગેના પ્રશ્નોના સમજદારી પૂર્વકના જવાબો આપવા સમય ફાળવવો ઍ બહુ જરૂરી છે. તમારા સ્પષ્ટીકરણમાં ઍ વાતનો ઉમેરો કરો કે દરેક પ્રથા અથવા નિયંત્રણ કેવી રીતે તેની ચેતના ઉપર અસર કરે છે. આનાથી બાળક ઉત્સાહથી પ્રથા અપનાવે તેની શક્યતાઓ વધી જશે અને કેટલાક કિસ્સામાં તમારું બાળક હિન્દુ યુવાનોને પણ આ પ્રથા અનુસરવા પ્રયાસ કરવા પ્રેરણા આપશે.

Leave a Comment

Your name, email and comment may be published in Hinduism Today's "Letters" page in print and online. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top