તમારા ઘરને ઈશ્વરનું આશ્રયસ્થાન બનાવો

Read this article in:
English |
Gujarati |
Hindi |
Marathi |
Russian |
Spanish |
Tamil

હિન્દુ ધર્મનું એક અનોખુ પાસું એ છે કે દરેક વ્યક્તિ પૂજારી બની શકે અને પોતાના મંદિરની દેખભાળ કરી શકે. આ મંદિર એ ઘરની અંદરનું પવિત્ર સ્થાન, જેને તમે દરરોજ પૂજાપાઠ દ્વારા એક આધ્યાત્મિક સ્થળમાં અથવા નાના મંદિરમાં પરિવર્તીત કરી શકો છો. આ ખાસ તો ત્યારે જ શક્ય બને જ્યારે એક અલગ ઓરડાની સ્થાપના થઈ હોય, જે માત્ર પૂજાપાઠ અને ધ્યાન માટે જ હોય અને દુન્વયી વાતો કે બીજી પ્રવૃતિઓથી મલિન ન થયું હોય. આ એક આદર્શ ઉદાહરણ છે. જો આ શક્ય ન બને તો ઓછામાં ઓછું એ એક ઓરડાનો શાંત ખૂણો હોવો જોઈએ- કબાટમાં કે અભરાઈ કરતાં. પૂજાના ઓરડાને તમારા કુટુંબના દરેક વ્યક્તિ માટે, શાંતિ અને આશ્વાસન આપતી જ્ગ્યા બનાવો જ્યાં ઈશ્વર સાથે સંપર્ક સાધી શકાય અને તેમના ગુણગાન ગવાય, પ્રાર્થના અને વ્યવહારુ જરૂરીયાતો માટે વિનંતી કરી શકાય.

સ્વ. શ્રી શ્રી શ્રી ચંદ્રશેખરેંદ્ર સરસ્વતી મહા સ્વામીજી જેઓ કાંચીપૂરમના કામકોટી પિઠમ માં હતા, તેમણે ઘરમાં થતી પૂજા ઉપર ટીપ્પણી કરતા કહું: “દરેક કુટુંબે ઈશ્વરની પૂજા કરવી જ જોઈએ. જેમને અનુકૂળતા હોય તેમણે દિક્ષા લઈને વિગતવાર પૂજાઓ કરવી. બાકીના લોકોએ ટૂંકી પૂજા કરવી, જે દસ મીનીટ થી લાંબી ન હોય. ઑફીસ જતા લોકોએ ઓછામાં ઓછું આ ટૂંકી પૂજા ભક્તિભાવે અર્પણ કરવી. પવિત્ર ઘંટ દરેક ઘરમાં વાગવો જ જોઈએ.”

હવે અહીં આપણા ઘરમાં પૂજા કરવાના પ્રયત્નો એક સરળ કાર્ય થકી શરૂ થઈ ધીમે ધીમે વધુ વિસ્તૃત કેવી રીતે થઈ શકે તેનું વર્ણન છે. શેખર પરિવારે હંમેશા ઘરમાં પૂજાનો રૂમ અલગ રાખ્યો હતો. વખત જતાં પતિએ પૂજા કેવી રીતે કરવી તેની પદ્ધતિસર માહિતી મેળવી. શરુવાતમાં તે માત્ર ગણેશના સરળ મન્ત્રો નું ઉચ્ચારણ કરી અગરબત્તી ફેરવતો. પછી એ થોડા વધારે મન્ત્રો શીખ્યો અને પૂજાના અંતમાં આરતીના દીવા પ્રગટાવી તેની જ્યોત બધાને આપવા માંડ્યો. છેવટે તેણે આખી ગણેશ આત્મર્થ પૂજા શીખી લીધી, જે હવે તે રોજ સવારે ઉઠીને કરે છે અને પછી જ સવારનો નાસ્તો લે છે. પૂજા કરવાથી તે ઉંડી સંતુષ્ટતા અનુભવે છે અને માને છે કે પૂજા ઘરના બીજા કુટુંબીજનો ની પણ ઉન્નતિ કરે છે. ગણેશ આત્મર્થ પૂજાના પાઠો અને શ્લોકના ઉચ્ચારણ અહીં ઉપલબ્ધ છે: www.himalayanacademy.com/audio/chants/ganesha_puja/.

વ્યક્તિગત પૂજા વિષે:

ઘણા લોકો એ બાબત સમજતા નથી, પણ વ્યક્તિગત પૂજા એ જેને આપણે હિન્દુ ધર્મના આચાર સંહિતા કહીયે છીએ તે યમ અને નિયમ ના મુળભુત પાયાનું તત્વ છે. અને આ આચાર સંહિતાનો અષ્ટાંગ યોગના પહેલા અને બીજા તબ્બકા માં સમાવેશ થાય છે, જેની ઘણીવાર ધ્યાન માટેના પાયાના સિધ્ધાંત તરીકે ગણના થાય છે. પૂજા અને આરાધના, જેનો દસ નિયમો માં સમાવેશ થાય છે તે ઈશ્વરપુજન તરીકે જાણીતું છે. આ પૂજા જે ઘરના પવિત્ર ઓરડામાં કરવામાં આવે છે, તે સામાન્ય ફૂલો ચડાવવાથી માંડીને આખી વિધીપૂર્વકની પૂજા હોઈ શકે. વ્યક્તિગત પૂજાને આત્મર્થ પૂજા કહેવાય જ્યારે સાર્વજનિક પૂજા જે પૂજારી મંદિરમાં કરે તેને પરાર્થ પૂજા કહેવાય. આત્મર્થ પૂજા કર્યા પછી થોડી ક્ષણો માટે ધ્યાન કરવાનું પ્રચલિત છે. આંતરિક આરાધના, પૂજાને લીધે જાગેલી શુધ્ધ ભાવનાઓ અને શક્તિ જે હજુ ઓરડામાં હોય છે તેને આત્મા તરફ લઈ જવી. આ રીતે પૂજા દ્વારા મહત્તમ લાભ લઈ શકાય.

મારા ગુરૂદેવના ધ્યાનમાં આવ્યું કે ઘણા લોકો પૂજા કરતા ગભરાય છે. આમ કેમ? તેઓ ઘણીવાર એમ માનતા હોય છે કે તેમને પૂરતી તાલીમ નથી મળી અથવા તેઓ પૂજાની પાછળના રહસ્યમય સિધ્ધાંતોને સમજતા નથી. ઘણા હિન્દુઓ પૂજા અને વિધિ માટે પૂજારી પર આધાર રાખે છે. પરંતુ ગુરૂદેવનું કહેવું છે, જેમ કે કાંચીપુરમ ના મહા સ્વામીજી કહે છે, કે સામાન્ય પૂજા કોઈપણ વ્યક્તિ જે ઈશ્વર અને દેવોની કૃપા મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તેનાથી થઈ શકે છે. ઈશ્વર તરફનો પ્રેમભાવ કર્મકાંડની આદર્શતા કરતા વધારે અગત્યનો છે. જેઓ આગળ વધીને આત્મર્થ પૂજા કરવાની ઈચ્છા ધરાવતા હોય તેમણે તાલીમ અને મંજુરી લઈને, યોગ્ય પૂજારીઓ પાસેથી દિક્ષા લઈને કરવી.

ગુરૂદેવે આત્મર્થ પૂજા કરવા માટે એક અગત્યનું નિયંત્રણ મૂક્યું. “જો ક્રોધનો અચાનક ગંભીર ઉભરો આવે, તો વ્યક્તિએ ૩૧ દિવસ સુધી પૂજા ન કરવી. માત્ર અગરબત્તી સળગાવીને મુર્તી સમક્ષ ધૂપ આપી શકાય, પરંતુ ન તો દિવાની જ્યોત ફેરવવી કે ઘંટડી વગાડવી કે પછી સામાન્ય ઓહ્મ્ સિવાયના મંત્રોચ્ચાર કરવા.”

એમણે આ પ્રતિબંધ એ જાણીને મૂક્યો કે ક્રોધ ધરાવતો વ્યક્તિ ખરું જોતા દેવો જે આપણને આશિર્વાદ આપે તેના બદલે બીજી દુનિયામાંથી અસુર કે દૈત્ય ને પ્રાર્થનામાં બોલાવે છે જે આપણને વધુ પરેશાન કરે. ખરેખર, ઘરના વાતાવરણને વધારે આધ્યાત્મિક બનાવવા ક્રોધ ઓછામાં ઓછો વ્યક્ત કરવાની જરૂર હોય છે, અને અપશબ્દો પણ ટાળવા જરૂરી છે. એક જુદા જુદા કાપેલા ટુકડા ગોઠવવાની ગુંચવંભરી રમત સાથેની સમરૂપતાનો દાખલો લઈએ. પૂજા કરવી એ સાચી રીતે રમતના દસે દસ ટુકડા ને બરાબર ગોઠવવા સમાન છે. સામાન્ય ગુસ્સો તેમાંથી પાંચ ટુકડા લઈ લે, અપશબ્દો નો ઉપયોગ બે અને મોટી દલીલ કે ચર્ચા વીસ ટુકડા લઈ લે. સ્પષ્ટ રીતે ઘરમાં આધ્યાત્મિકતા વધારવા માટેના આપણા ખૂબ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો સફળ નહીં થાય જો આપણે ક્રોધના ઉભરાથી કે આપશબ્દો બોલીને તેને નાબૂદ કરી દઈએ.

સંપર્કમાં રહેવું

બધા હિન્દુઓ પાસે સંરક્ષક દેવો હોય છે જેઓ અન્તરલોક માં રહીને તેમનું રક્ષણ કરે છે, તેમની ચોકી કરે છે અને માર્ગદર્શન આપે છે. ઘરનો પૂજા નો ઓરડો એ આ કાયમના અદ્રશ્ય મહેમાનો માટેની જગ્યા છે જ્યાં આખું કુટુંબ આવીને બેસે અને આંતરિક રીતે એ દિવ્ય વ્યક્તિઓ સાથે સંપર્ક સાધે. આ દેવો પેઢી દર પેઢી કુટુંબના રક્ષણ માટે સમર્પિત રહે છે. “ભગવાનની ઔપચારિક જગ્યા જે સુવાના ઓરડામાં હોય કે રસોડાના ગોખલામાં હોય તે આ પવિત્ર દેવોને આકર્ષવા પૂરતા નથી.” ગુરૂદેવે સલાહ આપી.” કોઈ પોતાના પ્રતિષ્ઠિત મહેમાનને ઘરના કબાટમાં બેસાડવા કે રસોડામાં સૂવા માટે આમંત્રિત નહીં કરે અને એવી અપેક્ષા એ રાખે કે મહેમાનને સત્કાર, કદર કે પ્રેમની લાગણી થાય.”

સૌથી સંસ્કારી હિન્દુ ઘરોમાં પવિત્ર સ્થાન કે પૂજાના ઓરડાને કેન્દ્રમાં રાખવામાં આવે છે, એક ખાસ ઓરડો અલગ રાખી, તેમાં મંદિર જેવું વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે જેમાં પૂજા થાય, શાસ્ત્રોનું પઠન, સાધના, ભજન કિર્તન અને જાપ થાય. આ પવિત્ર જગ્યા એક ધ્યાન માટેની જગ્યા અને એક માત્ર આશ્રય સ્થાન બની રહે છે. એ એક નિશ્ચિંત ઓરડો જ્યાં દુન્વયી સમસ્યાથી પર, આપણે આપણાં અંતરજ્ઞાન સાથે સંપર્ક સાધી શકીએ. આ રૂમ પોતાની જાતનો સામનો કરવા માટે, પાપનો એકરાર કરી કાગળ પર લખી, બાળી નાખીને નવા સંકલ્પો કરવા માટે છે. આ જગ્યા એ સંરક્ષક દેવો દ્વારા મળેલા આંતરિક સૂઝ અને અંતરજ્ઞાન થી સમસ્યાઓનો સમાધાન કરવાનો છે.

તમે નિયમિત મંદિર જઈને તમારા ઘરની શક્તિને વધુ અસરકારક બનાવી શકો, અઠવાડિયામાં એક વાર સૌથી ઉત્તમ અને ઉત્સવો દરમિયાન વિશેષ મુલાકાત કરવી. મંદિર થી પાછા આવીને ઘરના પૂજાના ઓરડામાં દીવો પ્રગટવવાથી, મંદિરનું ધાર્મિક વાતાવરણ તમારા ઘરમાં આવશે. આ એક સામાન્ય ક્રિયા રહસ્યમય રીતે મંદિરના દેવોને ઘરમાં લાવે છે, જ્યાં તેઓ આંતરિક દુનિયામાંથી કુટુંબોને આશિર્વાદ આપે છે અને ઘરનું ધાર્મિક વાતાવરણ મજબૂત બનાવે છે.

ગુરૂદેવ ઘરમાં અલગ પૂજાનો ઓરડો હોય જ્યાં ઈશ્વર અને દેવો રહેતા હોય તે વિચારને એક ડગલું આગળ લઈ જઈ કહે છે ધાર્મિક અને સંસ્કારી હિન્દુઓ તેમનું આખું ઘર ઈશ્વરને અર્પણ કરે છે. “આદર્શ ઈશ્વરપુજન એ હંમેશા ઈશ્વરની સાથે ઈશ્વરના ઘરમાં રહેવું, જે તમારું ઘર પણ છે અને સાથે સાથે નિયમિતપણે ઈશ્વરના મંદિરમાં જવું. આ ઈશ્વરનો અંતરમાં સાક્ષાત્કાર કરવા માટેનો એક આધારભૂત સિધ્ધાંત છે. કોઈ વ્યક્તિ પોતાની અંદર ઈશ્વરને કેવી રીતે પામી શકે જો તેઓ ઈશ્વરને સાથી તરીકે રાખી ઈશ્વરના ઘરમાં ન રહેતો હોય? જવાબ સ્પષ્ટ છે એ માત્ર તાર્કિક દંભ કે ઢોંગ હોઈ શકે, ખાસ કરીને અહંકારના પડદા પાછળ.”

જે હિન્દુઓ તેમના ઘરમાં ઈશ્વરની હાજરીમાં માને છે તે સ્વભાવિક રીતે જ તેમનું સન્માન કરે, તેમને ભોજન ધરે. તેઓ પ્રેમથી ભગવાનના ચિત્ર સમક્ષ અન્ન મુકી, બારણું બંધ કરી ઈશ્વર અને દેવોને ધરાવે છે. ગુરૂદેવે નીરખ્યું “ઈશ્વર અને દેવો ભોજનનો આનંદ લે છે. તેઓ અન્નમાંથી પ્રાણ અને શક્તિ આત્મસાત્ કરે છે. ઘરમાં બધા જમી લે પછી ભગવાનની થાળીમાં જે હોય તે પ્રસાદને આશિર્વાદથી ભરપૂર નૈવદ્ય તરીકે બધા ખાય છે. ભગવાનને માત્ર ઔપચારિક રીતે જ નહીં પણ ઘરના સૌથી ભૂખ્યા સભ્યની જેમ અન્ન ધરવામાં આવે છે. અલબત્ત ભગવાન અને દેવો હંમેશા માત્ર પૂજાના ઓરડામાં જ નથી રહેતા. તેઓ આમતેમ આખા ઘરમાં ફરતા હોય છે, કુટુંબીજનો, મિત્રો અને મહેમાનને ધ્યાનથી જુએ છે અને વાતો સાંભળે છે. કુટુંબીજનોને ઈશ્વરનો અવાજ તેમના પોતાના અંતરના અવાજ તરીકે સરળતાથી સાંભળાય છે કારણ કે તેઓ ઈશ્વરના ઘરમાં રહે છે નહીં કે ઈશ્વર તેમના ઘરમાં.”

ગુરૂદેવ આપણને બધાને પડકાર આપે છે: ” ધાર્મિક જિંદગી પાછળનું માનસિક વલણ કેવું છે? શું આપણે ઈશ્વર સાથે રહીએ છીએ કે ઈશ્વર આપણી કોઈક વાર મુલાકાત લે છે? ઘરમાં અધિકાર કોનો છે, અધાર્મિક, અજ્ઞાની અને જુલ્મી જેવા વડીલનો? કે પછી ઈશ્વરનો પોતાનો? જેને આખું કુટુંબ, વડીલો સાથે પ્રણામ કરે છે કેમ કે તેમણે તેમની જાતને ઈશ્વરને સોંપી દીધી છે, હકીકતમાં તેઓ ઈશ્વરના આશ્રમમાં રહે છે. આ ધર્મ છે. આ ઈશ્વરપુજન છે.

Leave a Comment

Your name, email and comment may be published in Hinduism Today's "Letters" page in print and online. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Scroll to Top